Friday, June 24, 2022

આધુનિક ઘરઘંટીનો ઇતિહાસ : ઉડતી નજરે

  ડોશીમાની ઘંટીથી આટોમાઈઝ ડબલ ચેમ્બર સુધી 


🌿

અનાજ અથવા મસાલાને બારીક દળવાનું ગૃહઉપયોગી વીજળિક સાધન એટલે ઘરઘંટી. શરૂઆતમાં પ્રાચીન યુગનો માનવ જંગલમાંથી ફળફૂલ વગેરે વસ્તુઓ લાવીને તેનો ખોરાક તરીકે સીધો જ ઉપયોગ કરતો. તે વસ્તુઓના ભાગ કરવા માટે અથવા તો તેને બારીક કરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો અને પથ્થરથી તોડીને, દબાવીને અને કચડીને પોતાની જરૂરિયાત સંતોષતો. ત્યારબાદ મનુષ્યજાતિનો વિકાસ થતો ગયો તેમ માનવી અનેક પ્રકારનાં ધાન્ય પણ પકાવતો ગયો. તે ધાન્યનો ઉપયોગ ખોરાકમાં પણ થવા લાગ્યો ત્યારે તેને તે ધાન્યને બારીક કરવાની જરૂરિયાત ઊભી થઈ હશે.



શરૂઆતમાં બે પથ્થર ભેગા કરી જમીન ઉપર મૂકીને તેમાં અનાજ નાખીને ઉપરનો પથ્થર ફેરવવામાં આવતો. તેમાં સમયે સમયે જરૂરિયાત મુજબ પરિવર્તન થયું અને સંશોધનના પરિપાક રૂપે ભારતની સૈકાપુરાણી જૂની અને જાણીતી ડોશીમાની ઘંટી એવા નામથી ઓળખાતી ઘરઘંટીની શરૂઆત થઈ.


તે ઘરઘંટીમાં એક લાકડાનું થાળું રહેતું, તેની ઉપર એક પથ્થર બેસાડવામાં આવતો અને તેની ઉપર વચ્ચે કેન્દ્રમાં કઠણ લાકડાનો ખીલડો બેસાડવામાં આવતો અને ઉપરના પથ્થર વચ્ચે કઠણ લાકડામાંથી બનાવેલ માંકડી લગાડવામાં આવતી. ઉપરનો પથ્થર માંકડી સહિત નીચેના પથ્થરની ધરી પર બેસાડવામાં આવતો અને ઘંટીને ફેરવવામાં આવતી. બાજુ પરના લાકડાની આગળપાછળ જે પથ્થર અને થાળા વચ્ચે જગા રહેલી હોય તેમાં અનાજ દળવાને કારણે જીવજંતુ ન પડે અને બગાડ ન થાય તે માટે નીચેના પથ્થર અને થાળાની વચમાં તેમજ થાળાની ચારે બાજુની કિનારીઓમાં કાગળના માવાનું અને કચૂકાના લોટનું મિશ્રણ બનાવી લગાવવામાં આવતું. 


ઘંટી ફેરવવામાં સરળ અને સુગમ પડે અને ઓછી મહેનત પડે તે ધ્યાનમાં રાખીને લોખંડની માંકડી અને લાકડાની શાફ્ટ ઉપર નાના બૉલ બેસાડવામાં આવતા. તેને કારણે તે ઘંટી ફેરવતાં હલકી લાગે અને તકલીફ ઓછી પડે. એ રીતે શરૂઆતમાં બૉલ તેમજ બેરિંગોનો ઉપયોગ કરી વધુ સુવિધાવાળી હાથની ઘરઘંટી વપરાવા લાગી.


પહેલા વિશ્વયુદ્ધ વખતે આ હાથથી ચાલતી ઘંટીનો મિકૅનિકલ યંત્રસામગ્રી સાથેનો વિચાર સર્વપ્રથમ એક જર્મન એન્જિનિયરે આપેલો. ભારતના સયાજી આયર્ન વર્કસ, વડોદરાએ તેમાં લોખંડની ગરગડી અને શાફ્ટપિન તેમજ વિદ્યુત-મોટર મૂકી મિકૅનિકલ/ઇલેક્ટ્રિક ઘરઘંટીની શરૂઆત કરી. શરૂઆતમાં જૂની ઘંટીમાં બાજુના થાળા પર મોટર મૂકી. ત્યારબાદ ઘરઘંટીના પ્રણેતાઓએ તેમાં ઘણા જ સુધારાવધારા કરી વિદ્યુત-મોટર સાથેની ઘંટી બનાવી.


શરૂઆતમાં સાબરમતી આશ્રમમાં રોજીની ભાવનાથી વિદ્યુત-ઘરઘંટી બનાવવાનો પ્રૉજેક્ટ ચાલુ થયેલો અને મોટર અને પથ્થરની બે અલગ ગરગડીથી ઘંટી બનાવી હતી. તેમાં પણ મિલ્સેંટ ઉત્પાદકોએ સિંગલ પુલીપટ્ટાની ઘંટી બજારમાં મૂકી. તે વખતે ઓછા પરિભ્રમણવાળી ઘંટી બનાવતા. કારણ કે અનાજનું સત્વ જળવાઈ રહે તે મહત્વનું હતું જેથી ઘંટીના પથ્થરનાં પરિભ્રમણ ઓછાં હોવાં જોઈએ એમ તે માનતા.


આ રીતના સંપૂર્ણ સુધારાવધારા સાથેની હાલની પ્રતિકૃતિ જેવી ઘરઘંટીની શરૂઆત ઘરઘંટીના ઉત્પાદકોએ 1965થી કરેલી અને તે અંગેનો પેટન્ટ પણ મેળવવામાં આવેલો. આધુનિક ઘરઘંટીમાં લાકડાના ઘન આકારના બૉક્સમાં વિદ્યુત-મોટરની મદદથી ઘંટીનું એક પડ બીજાની સાપેક્ષમાં ફેરવવામાં આવે છે. તેમાં અનાજ ઓરવા માટે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલ ઊંધા પિરામિડના આકાર જેવું સાધન ઘંટીના બૉક્સ ઉપરના ભાગમાં મૂકવામાં આવે છે, જ્યારે દળાયેલ લોટ ઘંટીની નીચેના ભાગમાં એક લાકડાના કે ધાતુના બૉક્સમાં ભેગો કરવામાં આવે છે. આ બૉક્સ નીચેના ભાગમાંથી બહાર ખેંચી શકાય છે. તેમાંથી લોટ બહાર કાઢીને તેને ફરી પાછું મૂકીને ઘંટીના મુખ્ય બૉક્સને બંધ કરી શકાય છે.


નટરાજ ઘરઘંટીના ઉત્પાદકોએ પ્રજાને ઘરઘંટી લેવા માટેની પ્રેરણા આપવા અઢળક જાહેરાતો કરી. એનાથી પ્રજામાં ઘરઘંટી વસાવવાની જાગૃતિ આવી. નટરાજ અને મિલ્સેન્ટ બન્ને ઉત્પાદકોને રાજકોટની કિશન ઈન્ડસ્ટ્રીઝ જાળી બનાવી આપતી હતી. આગળ જતા એ ઈન્ડસ્ટ્રીઝે પોતાની ઘરઘંટી આટોમાઈઝ બ્રાન્ડ સ્વરૂપે મૂકી. એણે એકાએક ભારતીય બજારનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું. કારણ કે આટોમાઈઝ ઘરઘંટી એક ઈનોવેટિવ મોડેલ છે. આટોમાઈઝના ઉત્પાદકોએ ડબલ ચેમ્બર ટેક્નોલોજી વિકસાવી અને એના પેટન્ટ અધિકારો મેળવી પોતાના સંશોધનોને સુરક્ષિત કર્યા. આજે આટોમાઈઝના અને ગૃહોપયોગી તથા લઘુ ઉદ્યોગ અને મોટા ઉદ્યોગ માટેના મોડેલ બજારમાં ઉપલબ્ધ છે અને તે તમામ લોકપ્રિય પણ છે

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search